મોરબી હળવદ હાઈવે રોડ પર CNG રીક્ષામાં આગ લાગી દાઝી જતાં યુવકનું મોત
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલના કાંઠે કાંચા રોડ ઉપર સી.એન.જી. રીક્ષામાં અચાનક આગ લાગતાં શરીરે દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામનો યુવક પોતે પોતાના ઘરેથી મોરબી ખાતે પોતાની સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નં-GJ-36-W–2003 વાળી લઇને મોરબી જવા માટે નીકળેલ તે વખતે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ ઉપર પહોંચતા અચાનક પોતાની સી.એન.જી. રીક્ષામા આગળના ભાગે આગ લાગતા પોતે શરીરે દાઝી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.