મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ
મોરબી: મોરબી શહેર તેમજ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે ત્યારે ટંકારા, માળિયા, વાંકાનેરમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે મોરબી શહેર તેમજ જીલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે આજ સવારથી મોરબી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં મોરબી શહેરમાં ૦૩ મીમી વરસાદ વરસ્યો હતો તો વાંકાનેરમાં સૌથી વધુ ૨૧મીમી વરસાદ વરસ્યો હતો અને ટંકારામાં ૧૯ મીમી વરસાદ નોંધાયો હતો તેમજ ટંકારા તાલુકાના લજાઈ, વીરપર, હડમતીયા, ધ્રુવનગર, હમીરપર, ઓટાળા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અને માળિયા વિસ્તારમાં પણ ૦૩ મીમી વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.