મોરબી જિલ્લામાં 22 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો થશે શુભારંભ
જિલ્લાના ૩૬૩ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે
મોરબી જિલ્લામાં તા.૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભનો થશે. આ યાત્રા ૩ રથ સાથે જિલ્લાના ૩૬૩ ગામોમાં ભ્રમણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસની પરીકલ્પનાને સાકાર કરી સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત દેશ વિશ્વ સમક્ષ આવે તેવા આશય સાથે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો સમગ્ર મોરબી જિલ્લામાં શુભારંભ કરવામાં આવશે.
કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આવરી લેવાની તંત્રની નેમ છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા લોકોને જુદી જુદી યોજનાઓનો લાભ આપવા માટે વિશેષ જનજાગૃતિ ઊભી કરવામાં આવશે. સાથે જ યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય તેવા લાભાર્થીની નોંધણી પણ કરવામાં આવશે. આમ, એક પણ લાભાર્થી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ યાત્રા દ્વારા ગ્રામીણ કક્ષાએ આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, હર ઘર જલ-જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી પ્રણામ, નેનો ફર્ટીલિજેર યોજના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે હેલ્થ કેમ્પ, પશુ સારવાર કેમ્પ, સેવા સેતુ સહિતના પ્રજાકીય પ્રકલ્પોનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી તૈયારીઓ કરવામાં પણ આવી રહી છે.