મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં વિવિધ સરકારી તાયફાના કારણે હજારો બાળકોનું શિક્ષણ રૂંધાયું
મોરબી: શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવાનું મુળ કામ છોડી શિક્ષણ સિવાયના કામો કરવાથી શિક્ષકો ત્રાંસી ગયા છે, કંટાળી ગયા છે, શિક્ષકો પાસે બી.એલ.ઓ. નું તો કામ છે જ એમાંય વળી આવા વધારાના કામોથી શિક્ષકોનું મોરલ દિવસે દિવસે તુટી રહ્યું છે અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્ય હોવાનુ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા લેખિતમા જણાવ્યું હતું કે મોરબીમાં સરકારની વાહવાહી કરવા જાત જાતના શિક્ષણ સિવાયના કાર્યક્રમો શિક્ષકો પર થોપી અધિકારીઓ શિક્ષણની ધોર ખોદી રહયા છે. હાલ ૧૭ મી ઓકટોબરથી સરકારી શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે એક બાજુ બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની તાલીમ વારાફરથી છેલ્લા એક માસથી ચાલી રહી છે.
આ તાલીમમાં બજેટ વા૫૨વા સિવાયનો કોઈ હેતુ જણાતો નથી. તાલીમની સાથે સાથે વી.સી.ઈ., સસ્તા અનાજના દુકાનદારો અને તલાટી મંત્રીઓને કરવાની e-kyc ની જટિલ કામગીરી શિક્ષકો ઉપર થોપી દેવામાં આવી છે. દરરોજ જાત જાતની ગુગલ સીટ મોકલી આંકડા અને નાંમાવલી માંગવામાં આવે છે. રોડ-રસ્તાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું કોઈ પુછતું નથી અને ગરીબ બાળકોને મળતી ૧૯૫૦/- રૂપિયા માટે બાળકોને સાત કોઠા વિંધવા પડે એટલી માહિતી આપવી પડતી હોય, પથમ સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં ગરીબ બાળકોને શિષ્યવૃતિ મળી નથી. બીજી બાજુ સરકારની વાહવાહી કરવા વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો જેવા કે સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં દાખલ કરવા સરકાર દ્વારા લેવાતી CET અને જ્ઞાન સાધના પરીક્ષા માટે સતત શિક્ષકો પર પ્રેશર કરવામાં આવે છે. એકબાજુ શિક્ષકોને વર્ગમાં રહેતા નથી દેવા અને બીજીબાજુ CET અને જ્ઞાન સાધનની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મેરીટમાં ન આવ્યા હોય એવી શાળાઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત નોટીસો અપાવી.
ત્યારબાદ શિક્ષકો પર ઝાડવા વાવવાનું પેશર કર્યું અને શિક્ષકોએ બાળકોને ભણાવવાનું છોડી ઝાડ વાવ્યા. આ ઝાડ વાવવાનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં રાષ્ટ્રીય મેલેટરી દહેરાદુર દ્વારા લેવાતી પરીક્ષામાં ગુજરાત રાજયનો કોટો માત્ર એક સીટ હોવા છતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને વધુમાં વધુ ફોર્મ ભરવાનો ફતવો આપવામાં આવ્યો. હાલમાં વળી જીલ્લા વિકાસ અધિકારીને નવો તુકકો સુજયો સ્ટાફ સિલેકશન કમિશન અને રેલવે દ્વારા ભરતી આવી હોય, પ્રાથમિક શિક્ષકોને ધો.૧૦ અને ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને શોધી શોધીને ફોર્મ ભરાવવા અને દરરોજ કેટલા ફોર્મ ભર્યા એની માહિતી આપવી.
આમ શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવાનું મુળ કામ છોડી શિક્ષણ સિવાયના કામો કરવાથી શિક્ષકો ત્રાંસી ગયા છે, કંટાળી ગયા છે, શિક્ષકો પાસે બી.એલ.ઓ. નું તો કામ છે જ એમાંય વળી આવા વધારાના કામોથી શિક્ષકોનું મોરલ દિવસે દિવસે તુટી રહ્યું છે અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવાનું મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું.