મોરબી જિલ્લા કલેરક્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમ દ્વારા ગેરકાયદેસર પાણીના જોડાણ કાપવા તજવીજ હાથ ધરાઈ
મોરબી જિલ્લામાં GWIL અને GWSSB ની પાણીની પાઇપલાઇનમાંથી બિન અધિકૃત કનેક્શન શોધી, કાપવાની ઝુંબેશ શરૂ
તાકીદે બિનઅધિકૃત પાણીના જોડાણ રદ કરવા કલેકટરશ્રીની સૂચના; ગેરકાયદેસર જોડાણ કરનાર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાશે
મોરબી જિલ્લામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુગ્રથિત રહે અને લોકોને પીવાનું પાણી નિયમિત અને યોગ્ય માત્રામાં મળી રહે તે માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા GWIL અને GWSSB ની પાણીની પાઇપલાઇન માંથી ગેરકાયદેસર જોડાણ શોધી આવા કનેક્શન કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પાણી વિતરણનું માળખું સુદ્રઢ્ય કરવા છતાં જિલ્લાના કેટલાક વિસ્તાર તથા ગામડાઓમાં પાણીનું નિયમિત વિતરણ કરવામાં મુશ્કેલી આવતી હોય છે જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ તથા ગામડાઓના સરપંચઓ દ્વારા GWIL અને GWSSB ની પાણીની પાઇપલાઇનમાંથી કેટલાક લોકો દ્વારા બિનઅધિકૃત કનેક્શન લઈ પાણી ચોરી કરતા હોવાની ફરીયાદો ધ્યાનમાં લઈ આવા બિન અધિકૃત કનેક્શન કાપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
આ ઝુંબેશના પગલે કલેક્ટરની સૂચના હેઠળ GWIL અને GWSSB ના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ ટીમ, મામલતદારઓ અને પોલીસ સહિતની ટીમ દ્વારા GWIL અને GWSSB ની પાઈપલાઈનનું ઇન્સ્પેક્શન કરી બિન અધિકૃત પાણીના કનેક્શન શોધી આ પ્રકારના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરએ જિલ્લાવાસીઓને તાકીદ કરતા જણાવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિએ બિનઅધિકૃત રીતે પાણીની પાઇપલાઇનમાંથી કનેક્શન લીધું હોય તો સ્વયં તાત્કાલિક કનેક્શન દુર કરે. આ રીતે ગેરકાયદેસર કનેક્શન લેવું ગુનો હોવાથી આ ઝુંબેશમાં જો કોઈ બિનઅધિકૃત કનેક્શન પકડાશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.