મોરબી જિલ્લામાં સ્થિતિને પુનઃ પૂર્વરત કરવા બોલાવેલ મીટીંગમા વિરોધ પક્ષનો છેદ ઉડાવતા કલેકટર સામે પગલાં ભરવા કોંગ્રેસની માંગ
મોરબી: મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પુનઃ પૂર્વરત કરવા માટે બોલાવેલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની મીટીંગમા વિરોધ પક્ષનો છેદ ઉડાવતા મોરબી જીલ્લા કલેકટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને લેખીત રજુઆત કરી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યપાલને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ હવે મોરબી જીલ્લાને પુનઃ સ્થાપન કરવા તેમજ જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જીલ્લાના ભાજપના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી મોરબી ખાતે એક બેઠક બોલાવેલ હતી. જે બેઠકમાં ભાજપના પ્રમુખ, મહામંત્રી અને મોરબી જીલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. પરંતુ આ બેઠકમાં વિરોધ પક્ષના પ્રમુખ, આગેવાનો કે અન્ય બીજા પક્ષના નેતા કે આગેવાનોને જાણ પણ કરેલ ન હતી. આ બેઠક ગેરબંધારણીય હોય, બંધારણીય નિયમોનું ઉલંઘન કરેલ હોય તેવું જણાય રહ્યું છે. વિરોધ પક્ષ પજા સાથે સંકળાયેલ હોય, તેમ છતાં આ બેઠકમાં વિરોધ પક્ષને સ્થાન ન આપી બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવેલ ન હોય, જેથી મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પુનઃ પૂર્વવત કરવા બોલાવેલ મીટીંગમાં વિરોધ પક્ષનો છેદ ઉડાવતા મોરબી જીલ્લા કલેકટર સામે પગલા લેવા તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.