મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નીષ્ફળ જતા વળતર ચુકવવા કોંગ્રેસની માંગ
મોરબી: મોરબી જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડુતોની પરિસ્થિતિ “પડયા પર પાટું” લાગ્યું હોય તેવી હોય જેથી તાત્કાલીક ધોરણે ખેડુતોને વળતર ચુકવવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં થોડા જ દિવસો પહેલા અતિવૃષ્ટીના કારણે ખેડુતોના પાકને ૧૦૦% નુકશાની તથા જમીનોનું ધોવાણ થઈ ગયેલ હતું. જેના કારણે ખેડુતોને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ હતું. જેના “ઘ” હજુ રૂજાયા નથી ત્યાં મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં ૩ થી ૫ ઈચ તાબડતોડ વરસાદ પડવાના કારણે ખેડુતોની ચોમાસુ સિઝન નુકશાનીમાં હોમાય ગયેલ છે. જેના કારણે ખેડુતોની પરિસ્થિતિ “પડયા પર પાટું” લાગ્યું હોય તેવી છે.
મોરબી જીલ્લામાં અતિવૃષ્ટી બાદ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. જેથી ખેડુતોની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ માનવતાની દ્રષ્ટીએ ખેડુતોને પાક નુકશાની તથા જમીન ધોવાણનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.
તેમજ મોરબી જીલ્લામાં ખેડુતોને થયેલ પાક નુકશાની તથા જમીન ધોવાણનું વળતર ચુંકવવા અંગે અગાઉ તા.૩૦/૦૮/૨૦૨૪ તથા મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી તેના પર ધ્યાન દોરવા જણાવ્યું હતું.