મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલવે ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન
ઇચ્છુક ઉમેદવાર 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે
તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group “D” (Level-1) ની એસ.એસ.સી. આઇ.ટી.આઇ./ ડીપ્લોમાં પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ હતી જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૦૧/૦૩/૨૦૨૫ હતી.
મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા અત્રેના મોરબી જિલ્લામાં વધુમાં વધુ સંખ્યામાં યુવાધન ઓનલાઇન અરજી કરવા પ્રેરાય અને તેઓને રોજગારી મળે તે માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી. જેમાં મોરબી જિલ્લામાં અંદાજે ૧૦૦૦ જેટલા યુવક/યુવતીઓએ ઓનલાઇન અરજી કરેલ હતી. જેથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આવા ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો લેખીત પરીક્ષામાં સફળ થાય તે માટે આગામી સમયમાં મોક ટેસ્ટ લેવાનું આયોજન કરેલ છે. જેથી મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોને જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ https://morbidp.gujarat.gov.in પર તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૪/૨૦૨૫ના રાત્રીના ૧૨/૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.