મોરબી: બીપરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્તોને રૂ.12.24 લાખની સહાય તંત્ર દ્વારા ચુકવાઈ
મોરબી: બીપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા નાગરિકોને સંકટોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વાવાઝોડા દરમિયાન જેટલા પણ અસરગ્રસ્તો છે. તેમના માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આજે સવારથી સ્થળાંતરીત લોકોને કેશડોલ્સનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. આ મામલે ડીડીઓ ડી.ડી. જાડેજાએ વિગતવાર માહિતી આપી હતી.
ડીડીઓ ડી.ડી. જાડેજાએ મીડિયાને જણાવ્યુ હતું કે, જે અસરગ્રસ્તોને તેમના રહેણાંક મકાનમાં નુકસાની વેઠવાની સંભાવના હતી તે લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને તેમને આશ્રય આપવામાં આવ્યો હતો. એવા કુટુંબોને કુલ 12.24 લાખની સહાય તંત્ર દ્વારા ચૂકવવામાં આવી છે. જેમાં પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા અને બાળકો હોય તેને 60 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે જે સરકાર દ્વારા નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત જેટલા પણ કાચા મકાનો છે તેને અંશતઃ નુકસાન થયું છે તેમાં જે મળવાપાત્ર સહાય છે તે રૂપિયા 9,200 લેખે હતી. તેમાં સરકારે વધારો કરીને રૂપિયા 10,000ની સહાય કરી છે. જેથી અમે પહેલાં 9,200 ની રકમ ચૂકવી આપી હતી અને હવે રૂ.800નો જે ડિફરન્સ આવ્યો છે તે આજે સાંજ સુધીમાં ચૂકવી આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં ડીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પશુઓમાં ખાસ કોઈ નુકસાન ન થયું હતું કારણ કે અમે વાવાઝોડાની પૂર્વ તૈયારીમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વસતા પશુઓથી લઈને શહેરી વિસ્તારમાં વસતા પશુઓના સ્થળાંતરની કામગીરી કરી હતી. જેથી કોઈ મોટું નુકસાન ન થયું હતું પરંતુ એક બકરીનું મોત થયું હતું. તેથી તેમને રૂપિયા 3000 ની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ઝીંઝુડા ખાતે જે બે પોલટ્રી ફાર્મ કાર્યરત છે ત્યાં સરકારની ગાઇડલાઇન અનુસાર રૂપિયા 5000ની સહાય ‘પોલટ્રી ફાર્મને મળવા પાત્ર છે જેથી પ્રત્યેક ફાર્મને રૂપિયા 5,000ની સહાય ચૂકવવામાં આવી હતી અને આ તમામ કામગીરી તારીખ 18 જૂનના રોજ સંપન્ન કરવામાં આવી હતી તેવું તેમણે જણાવ્યું હતું.