મોરબી બન્યું શિવમય: મોરબીના તમામ શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
મોરબી: દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તા.૦૫-૦૮-૨૦૨૩ ને સોમવારથી થઈ ચુક્યો છે ૭૨ વર્ષ પછીના શુભ સમન્વય એવા પાંચ સોમવાર સાથે શરૂ થયેલ શ્રાવણ માસમાં પ્રથમ તેમજ અંતિમ દિવસે સોમવારના છે. ત્યારે પ્રથમ દિવસે સોમવતી એકમના મોરબી સહિત સમગ્ર જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઠેર ઠેર લોકો શિવ ભક્તિમાં લીન બની ગયાં હતાં.
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમવારે હોવાથી વહેલી સવારથી જ મોરબી શહેર તથા આસપાસના અનેક શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ સેવા-પૂજા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. અહિંના રફાળેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર, અગ્નેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, તીથવા ગામ પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર, તથા મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેરના પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનાંથ મહાદેવ મંદિર, ટંકારા નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, સહિતના તમામ નાના મોટા શિવાલયોમાં શણગાર કરાયા હતા અને મંદિરોમાં શિવભક્તોએ બિલ્વપત્ર, જળ, પુષ્પ, દૂધ વિગેરેથી ભગવાન શિવની આરાધના કરી હતી. અને શિવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતાં.