રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે
મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ માધ્યમિક વિદ્યામંદિર ખાતે અટલ ટીકરીંગ અદ્યતન લેબ કાર્યરત થશે
શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવશે.
આ તકે મંત્રી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખ ડૉ. બાબુભાઈ અઘારા અને શાળાના સંચાલકો, વ્યવસ્થાપકો તેમજ સ્ટાગણ ઉપસ્થિત રહેશે.
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે