સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ કોરોનાના સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ કાઉન્સેલિંગ માટે આવેલ ફોન અને રૂબરૂ સ્ત્રીઓની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો જેમાં 522 સ્ત્રીઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા.જેમાં હાલની પરિસ્થિતિને કારણે મહિલાઓ ચિંતાનો ભોગ બનેલ છે. તેમને પોતાના ઘરની ચિંતા, બાળકોની ચિંતા, દિવસ દરમિયાન કામ કરવું સાથે નોકરિયાત સ્ત્રીને બેવડી ચિંતાનો સામનો કરવો પડી રહ્યો છે. 54% સ્ત્રીઓએ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં સતત ચિંતા વધી છે.આ સમયે સ્ત્રીઓની માસિક ધર્મની સાયકલમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું. અનિયમિત પિરિયડ્સને કારણે તેનું કામમાં પણ ચિત લાગતું નથી. તણાવ અને ચિંતાની સહુથી નિષેધક અસર સ્ત્રીના માસિક ધર્મ પર થઈ . 18% સ્ત્રીઓમાં આ સમસ્યાઓ જોવા મળી છે.ઘણી સ્ત્રીઓ આ સમયે પોલીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને પોલીસ્ટિક ઓવરી ડિસઓર્ડરનો પણ ભોગ બની. આ બન્ને સમસ્યાઓ સ્ત્રીઓની ઓવરી ( ગર્ભાશય) સાથે સંકળાયેલ છે. 18% સ્ત્રીઓમાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી.સ્ત્રીઓને ચિંતા, તનાવ, કામના બોજને કારણે સફેદ સ્રાવની પરેશાની પણ વધી હોય તેવું જોવા મળી રહ્યું છે જેને કારણે કમરનો દુઃખાવો સ્ત્રીઓને થઈ હોવાનું પણ જાણવા મળે છે. 522 માંથી 28% સ્ત્રીઓએ આ ઘટના બન્યાનું સ્વીકાર્યું હતું.
સ્ત્રીઓના હોર્મોન્સ માં પણ ફેરફાર જોવા મળી રહ્યો જેને કારણે શરીરમાં વધઘટ, પેટનો ભાગ ફુલાવો, સ્વભાવ ચીડિયો બનવો, બેચેની અનુભવવી, વાળ ખરવા, પરિણીત સ્ત્રીઓને જાતિયતામાં અરુચિ જેવી બાબતો સામે આવી. 45% સ્ત્રીઓએ હોર્મોનલ ચેન્જીઝ થયા હોય તેવું અનુભવ્યું.હાલની સ્થિતિમાં ઘણી પરિણીત સ્ત્રીઓને શારીરિક સંબંધ બાંધવામાં પણ અરૂચિ જોવા મળે છે. ડર અને ભય સાથે કામનું ભારણ સ્ત્રીઓને શારીરિક સંબધ બાંધવામાં અરુચિ ઉભી કરે છે. 63% સ્ત્રીઓએ જાતિય બાબતમાં અરુચિ અને ચિંતા વ્યક્ત કરી.આ સમયે સ્ત્રીઓની સતત માથું દુઃખવાની ફરિયાદો પણ સામે આવી. માથું દુઃખવાને કારણે ચીડિયાપણું અને બેચેનીનો અનુભવ પણ સ્ત્રીઓ કરી રહી છે. 67% સ્ત્રીઓએ માથું દુખવાની ફરિયાદ કરી.ક્યારેક અતિશય ભૂખ અને ક્યારેક ભોજન અરુચિ વચ્ચે સ્ત્રીઓ પીસાતી જોવા મળી જેને કારણે શરીરના વજન અને ચયાપચય માં પણ ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું. 27% સ્ત્રીઓને ભોજન બાબતમાં ગરબડ લાગી.મોનોપોઝ સમયમાં ફેરફાર કોરોનાના ભયને કારણે યુવાન સ્ત્રીઓમાં મોનોપોઝનું પ્રમાણ પણ વધ્યું છે. 522 સ્ત્રીઓ સાથેની વાતચીતમાં તેમજ કોલસેન્ટરમાં આવેલ ફોન મુજબ 13% સ્ત્રીઓને મોનોપોઝ સમય પહેલા મોનોપોઝ અવસ્થામાં પહોંચી છે અથવા એવા લક્ષણો અનુભવ્યા. સતત ભય, અસલામતી અને લાગણીઓ માં સંઘર્ષને કારણે સ્ત્રીઓ વેલી મોનોપોઝમાં આવી શકે છે. ઘણી સ્ત્રીઓ ભયને કારણે આનો શિકાર બની છે, જે સર્વે દરમિયાન બહાર આવ્યું છે.
menstrual-hygiene-day એટલે કે વર્લ્ડ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ દર વર્ષે 28 મે ના રોજ મનાવવામાં આવે છે. માસિક સ્રાવ એ પ્રકૃતિ સાથે સંકળાયેલ પ્રક્રિયા છે, જે દરેક સ્ત્રી દર મહિને પસાર થાય છે.આ ખાસ દિવસોમાં મહિલાઓ / છોકરીઓમાં જાગૃતિ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.વર્ષ 2014માં વિશ્વ માનસિક સ્વચ્છતા દિવસની ઉજવણીનો પ્રારંભ થયો. પીરિયડ્સ સામાન્ય રીતે 28 દિવસનું ચક્ર કરે છે, અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ જ કારણ છે કે આ વિશેષ દિવસ વર્ષના પાંચમા મહિના એટલે કે 28 મે ના રોજ ઉજવવામાં આવે છે. છોકરીઓમાં પીરિયડ્સ સામાન્ય રીતે 4 થી 5 દિવસ લાંબી હોય છે. આ સમયગાળા દરમિયાન, સ્ત્રીઓને ઘણા શારીરિક, આંતરસ્ત્રાવીય બદલાવમાંથી પણ પસાર થવું પડે છે. કમર, પગ અને પેટમાં દુખાવો, ઉલટી, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓને તેમની સ્વચ્છતાની વિશેષ કાળજી લેવાની જરૂર છે કારણ કે બેદરકારીથી ઘણા રોગો થઈ શકે છે. કેટલીક વખત ચેપને કારણે પણ સ્ત્રીઓને વંધ્યત્વની સમસ્યાઓ થઈ શકે છે.