માળિયાના સરવડ ગામે ત્રિ-દિવસિય રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
માળીયાના સરવડ ગામ દ્વારા તારીખ. ૦૪-૦૪-૨૦૨૫ ને શુક્રવાર થી તા. ૦૬-૦૪-૨૦૨૫ ને રવિવાર સુધી શ્રી રામચંદ્રજી મંદિરના ભવ્ય અને દિવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારવા તમામ ભક્તોને સમગ્ર સરવડ ગામ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
માળીયા તાલુકાના સમસ્ત સરવડ ગામ દ્વારા રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ નવનિર્મિત રામચંદ્રજી ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ ૪ થી ૬ એપ્રિલ સુધી યોજાનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય પદે શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળાના શાસ્ત્રી કપિલભાઈ મહેતા બિરાજશે. 4૪એપ્રિલના રોજ સવારથી ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન, માતૃકા પૂજન, આયુષ્ય મંત્ર, વૈશ્વ દેવ સંકલ્પ, જલયાત્રા, સ્થાપિત દેવી-દેવતાની પૂજા, ગૃહ સ્થાપન, અગ્નિ સ્થાપન, ગૃહ શાંતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. ૫ એપ્રિલે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. ૬ એપ્રિલના રોજ બપોરે 12-02 વાગ્યે રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે 4-30 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને મહેમાનો પધારશે જેમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, ખોખરા હનુમાન મંદિરના મહંત મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, શાંતીનીકેતન આશ્રમ જોધપુરના ભાણદેવજી મહારાજ, નર્મદા સંતશ્રી સાબરીય મહારાજ, રાજકોટ ગુરૂકુળના સંત વલ્લભદાસજી સ્વામી, રણજીતગઢ ધામના ભક્તિહરિદાસજી સ્વામી, હળવદ ના ભક્તિનંદદાસજી સ્વામી હાજર રહેશે.