માળિયા(મી) નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સી.સી રોડ નિર્માણ માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી
શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે
આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ‘ડ’ વર્ગની નગરપાલિકા માળિયા-મિયાણાને આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીે આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરોની માળખાકીય સુવિધાઓને પરિપૂર્ણ કરવાના હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવેલી છે.
વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૫૫ હજાર કરોડની બજેટ જોગવાઈઓ આ યોજના અન્વયે કરવામાં આવી છે. આ બજેટ ફાળવણી અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.