માળીયામાં રસ્તે ચાલવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપાથી થોડે દૂર માળીયા જામનગર હાઈવે ઉપર રોડની સાઈડમાં સઈદુ વલીમામદભાઈ કટીયાની દુકાન પાસે મીઠાના કારખાને જવા માટે રસ્તે ચાલવા બાબતે બબાલ થતા મારામારી થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી)માં અલીફ મસ્જિદ પાસે રહેતા સરફરાજભાઈ રફીકભાઈ માણેક (ઉ.વ.૨૭) એ આરોપી નીજામભાઈ સાઉદીનભાઈ સામતાણી રહે. માળીયા (મી) તાલુકા શાળા પાસે માળીયાવાળા વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ તથા આરોપીનું મીઠાનું કારખાનું આજુબાજુમાં આવેલ હોય અને ચાલવા માટે રસ્તો એક જ હોય અને રસ્તામાં નહી ચાલવા બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી લાકડી વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે માળીયા (મી) તાલુકા શાળા સામે રહેતા નીઝામુદીન સાઉદીનભાઈ સામતાણી (ઉ.વ.૪૭) આરોપી સુભાન ખમીશાભાઈ માણેક, રફીકભાઈ ખમીશાભાઈ માણેક તથા સરફરાઝ રફીકભાઈ માણેક રહે. માળીયા (મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ ગુલાબડી વિસ્તારમાં પોતાના કારખાને જવા આવવા માટે ડી.આર.એલ માપણી બાદ સ્વખર્ચે રસ્તો બનાવેલ હોય અને આરોપીઓ જે રસ્તે ચાલતા હોય જેથી ફરીયાદીએ આરોપીઓને રસ્તે નહી ચાલવા બાબતે સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદીને ધોકા અને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા માળીયા (મી) પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.