માળીયા તાલુકામાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો
“જેઠ કોરો જાય, એનો ખંડમાં ખટકો નહીં; અષાઢ દી એક જાય, વસમો લાગે વેરડા.”
ગુજરાતમાં ચોમાસાની સમયસર એન્ટ્રી બાદ વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે.ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત બાદ પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતાં. પરંતુ વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે તેમ છતા મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી.
માળીયા (મી) તાલુકામાં પ્રથમ રાઉન્ડમાં માત્ર ૩૪ મીમી જ વરસાદ નોંધાયો છે જે વાવણી લાયક પણ નથી જેથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે ત્યારે હવે તો અષાઢ માસ શરૂ થયો છે. ત્યારે આ ઉક્તિ ખેડૂતોની વેદના પ્રકટ કરતી હોય તેવું લાગી રહ્યું છે “જેઠ કોરો જાય, એનો ખંડમાં ખટકો નહીં; અષાઢ દી એક જાય, વસમો લાગે વેરડા.” આમ તો અષાઢ માસ એટલે વરસાદનો ધોરીમાસ કહે છે અને આ મહિનામાં ભરપુર વરસાદ થતો હોય છે ત્યારે ગઈ કાલે અષાઢ માસની બીજ પણ કોરી જતા માળિયા તાલુકાના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે બીજા રાઉન્ડમાં માળીયા તાલુકાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.