માળીયા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મોરબી – માળીયા યુથ કોંગ્રેસ પ્રમુખની માંગ
માળીયા (મી): માળીયા મીયાણા તાલુકાના તમામ ગામોમાં પાણીની સમસ્યા રહેતી હોવાથી આ પાણીની સમસ્યા દુર કરી માળીયા તાલુકાના ગામોમાં ૨૪ કલાક પાણી આપવા મોરબી – માળીયા યુથ કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી – માળીયા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગી રહે છે. તેમજ હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. ૨૪ કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે છે તેથી માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામોને સતત ૨૪ કલાક પાણી આપવા મોરબી – માળીયા યુથ કોંગ્રેસ સમિતિ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી અને જો દશ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખી જન આંદોલન કરવાની મોરબી – માળીયા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.