માળીયા (મી) થયેલ માથાકૂટમાં સામસામે ફરીયાદ નોંધાઈ
માળીયા મીયાણાના વાગડીયા ઝાપા પાસે બે દિવસ પહેલા સાંજના સમયે થયેલ ઝગડામાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ સિંગલ બેરલ, જોટો અને પિસ્તોલ, તલવાર, છરી પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નીપજ્યું હતું. સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે બન્ને પક્ષોએ માળિયા (મી) પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા દોશી હાઇસ્કૂલની બાજુમાં રહેતા ખમીશાભાઈ ઓશમાણભાઈ જેડા (ઉ.વ.૪૬) એ આરોપી યુસુફ સબીર સંધવાણી, મોયુદિન ફારૂક જામ, નુરમામદ ઉર્ફે ડાડો, હુશેન કાસમ જામ, સલીમ સુભાન કટીયા, હબીબ નુરમાહમદ જામ, ફારૂક હબીબ જામ, કાસમ હબીબ જામ, કાદર હબીબ જામ, ગુલામઅલી ઉમર જેડા તમામ રહે, માળીયા (મી.) તા. માળીયાવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના કાકાના દીકરા સોહિલ સાથે યુસુફ, મયુદ્દીન, નૂરમામદ અને હુસેન માથાકૂટ કરતા હતા અને ત્યાર બાદ બાકીના આરોપીઓ ત્યાં બંદૂક, છરી, ધોકા, પાઈપ જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં હૈદર ઇલ્યાસ જેડાને ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે માળીયાના વાંઢ વિસ્તારમાં વિશાલા હોટલ પાછળ રહેતા સલીમભાઈ સુભાનભાઈ કટીયાએ આરોપી અઝહર અલ્યાસ જેડા, હૈદર અલ્યાસ જેડા, અલ્યાસ જેડા, લતીફ સલીમ જેડા, આશીફ સકુર જેડા, યાસીન ઇશાક જેડા, અરબાજ સલીમ જેડા, ખમીશા ઓસમાણ જેડા, સિંકદર જાનમામદ જેડા, અલી હબીબ જેડા, ફારૂક ઇલ્યાસ જેડા, હનીફ ઇલ્યાસ જેડા, સલીમ જેડા, સમસીર જાકબ જેડા રહે. બધા માળીયા મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જુની અદાવતનો ખાર રાખી ફારુકભાઈના દીકરા નૂરમામદ ઉર્ફે ડાડા જામ સાથે આરોપીઓ બોલાચાલી કરી માથાકૂટ કરી રહ્યા હતા ત્યારે આરોપી આવી ધોકા, પાઇપ વડે હુમલો કરી આડેધડ ફાયરિંગ કર્યું હોવાની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા મારામારી કરી સામસામે ફાયરિંગ કર્યું હોવાની માળીયા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.