સોમવારે વહેલી સવારે પડોશી પાકિસ્તાનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. સિંધ પ્રાંતમાં ડાહરકીમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં સોમવારે સવારે 3.45 વાગ્યાની આસપાસ સિંધ પ્રાંતના ઘોટાકી જિલ્લાના ડાહરકી ખાતે મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ ટકરાઈ હતી. મિલ્લત એક્સપ્રેસના આઠ કોચ (ટ્રેનના ડબ્બા) પાટા પરથી ઉતરી ગયા હતા. અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘોટાકી જિલ્લાના ડેપ્યુટી કમિશનરે મૃત્યુની પુષ્ટિ કરી હતી.
મિલ્લત એક્સપ્રેસની ઘણી બોગીઓ કાબૂ બહાર ગઈ અને બીજા ટ્રેક પર પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે અથડાઈ. આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 બોગી અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન સહિત ચાર બોગી ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી.
છથી આઠ બોગીઓને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઘોટાકી જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ૧૩ થી ૧૪ બોગીઓ પલટી ખાઈ ગઈ છે. તેમાંથી 6થી 8ને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ઘણા લોકો હજી પણ બોગીઓમાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢવામાં ઘણા પડકારનો સામનો કરી રહ્યા છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે રાહત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. ઇજાગ્રસ્તોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઈ જવામાં આવી રહ્યા હોવાનું કહેવાયુ છે. ઘોટાકી, ધારકી, ઓબેરો અને મીરપુર મેથેલો ખાતેની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરીને તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ બચાવ ટીમ આવી પહોંચી હતી ત્યારબાદ રાહત કામગીરી શરૂ થઇ હતી. જોકે, હજુ સુધી અહીં ભારે કટર્સ અને મશીનરી પહોંચી નથી. ટ્રેન અકસ્માતની અસર અનેક ટ્રેનોની અવરજવર પર પણ પડી છે. અધિકારીઓએ એ જણાવ્યું નથી કે રાહત અને બચાવ કામગીરી કેટલો સમય ચાલશે. કમિશનરે કહ્યું કે તે ખૂબ જ પડકારજનક કાર્ય છે. બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મોટા મશીનો ઘટના સ્થળે લાવવા પડશે. તેમણે કહ્યું કે તમામ ડોકટરોને કામ પર બોલાવવામાં આવ્યા છે. મુસાફરોને રાહત આપવા માટે મેડિકલ કેમ્પ બનાવવામાં આવી રહ્યો છે.