મોરબીમાં ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ- 2005’ વિશે જાગૃતી સેમીનાર યોજાયો
જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા તા. ગત ૦૧/૦૮/૨૦૨૪ ના સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય, શનાળા રોડ, મોરબી ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ વિશે જાગૃતી સેમીનાર, સ્વ રક્ષણના વિવિધ દાવનું નિદર્શન, SHE TEAM વિશે જાગૃતિ તથા સાઇબર ક્રાઇમ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જાનકીબેન કૈલા દ્વારા ઉપસ્થિત વિધાર્થીનીઓને હાલના સમયમાં દીકરીઓને ઘર તથા આજુબાજુમાં તેમજ શાળાના વાતાવરણમાં પોતાની માનસિક શાંતિ તથા સુરક્ષા કઈ રીતે રાખવી તે અંગે સંદેશો આપ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકા દ્વારા મહિલા સામે થતા અત્યાચાર અન્વયે રક્ષણ માટે પોલીસની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાત પોલીસ સુરક્ષા સરંક્ષણ તાલીમ(કરાટે)માંથી ગોપાલભાઈ દ્વારા દીકરીઓ/મહિલાઓને માનસીક રીતે સક્ષમ કેમ બનવું તથા હિંસા સામે પ્રતિકાર કઈ રીતે કરવો એ બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત સમજૂતી આપવામાં આવી હતી.
જિલ્લા કાનૂની સેવા સતા મંડળના એડવોકેટ દિપાલીબેન પરમાર, મહિલા પી.એસ.આઈ. પી. આઈ.સોનારા તથા સંકલ્પ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેનના મિશન કોર્ડીનેટર મયૂરભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમના વિષય અનુરૂપ ઉપસ્થિત વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંકલ્પ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન DHEW- મોરબીના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ રશ્મીબેન વિરમગામા દ્વારા કાર્યક્રમની આભારવીધી કરવામાં આવી હતી.