પોલીસ ઈન્સ્પેકટર મિલિંદ મધુકર કાઠેને મુંબઈ પોલીસની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના વડા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. પહેલા ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટની અધ્યક્ષતા સચિન વાઝે કરી રહ્યા હતા. પરંતુ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી વિસ્ફોટથી ભરેલી કાર મળી હોવાથી વાઝે એનઆઈએની ( NIA ) કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે 25 મી ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળ્યા પછી 5 માર્ચે માલિક મનસુખ હિરેનની હત્યા થઈ ત્યારથી, મુંબઈ ક્રાઇમ બ્રાંચના સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે શંકાના ધેરામાં છે. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ પણ તેના વિશે નવા ચોંકાવનારા ખુલાસાઓ કરી રહી છે. આ કેસમાં એનઆઈએએ સચિન વાઝે સહિતના અનેક પોલીસ અધિકારીઓને અટકાયતમાં લીધા છે અને તેઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએએ એક વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, સચિન વાઝે પણ તે બેઠકમાં હાજર હતા, જ્યાં મનસુખ હિરેનને મારવાની યોજના ઘડવામાં આવી રહી હતી.