ભારત સરકારે ગયા વર્ષે આરોગ્ય સેતુ એપને કોવિડ-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ તરીકે લોન્ચ કરી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ રસીની માહિતી માટે પણ કરવામાં આવી રહ્યો છે. હવે અહેવાલ છે કે ટૂંક સમયમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પ્લાઝમા દાતાઓની સૂચિ પણ ઉપલબ્ધ થશે. ઇટીના અહેવાલ મુજબ, આરોગ્ય સેતુ એપ્લિકેશન ટૂંક સમયમાં કોરોનામાંથી સાજા થતા લોકોનો ડેટાબેઝ બનાવશે જે પ્લાઝમા દાતાઓ માટે હશે. જોકે પ્લાઝમા દાન માટે કોઈની પર બળજબરી અથવા દબાણ નહીં હોય. જો કોઈ સ્વેચ્છાએ પ્લાઝમા દાન કરવા માંગે છે, તો તે આરોગ્ય સેતુ એપ્લિકેશન મારફતે સરકારને તેના વિશે જાણ કરી શકે છે, જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને પ્લાઝમા ડોનેશન ડેટાબેઝ સુવિધાને અપડેટ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ પ્રકાશમાં આવી નથી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં આરોગ્ય સેતુ એપમાં ઘણા બધા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે તમે રસી વિશે કેન્દ્રથી લઈ નોંધણી સુધીની માહિતી મેળવી શકો છો. તમે આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા નોંધણી પણ કરી શકો છો. તેમાં કોવિન પોર્ટલનું ટેબ પણ ઉમેરવામાં આવ્યું છે તેથી તમે કોવિન પોર્ટલ પર થતાં તમામ કામ આ એપ્લિકેશન પર પણ કરી શકો છો.