વૉલ્ટ ડિઝનીની ગણતરી 20 મી સદીના સૌથી સર્જનાત્મક, નવીન અને પ્રતિભાશાળી લોકોમાં થાય છે. તે એક સાથે એનિમેટર, બિઝનેસ એક્ટર અને ફિલ્મ નિર્માતા હતા. કાર્ટૂન દુનિયામાં તેમની એક આગવી ઓળખ છે. 22 ઓસ્કરની સાથે ફિલ્મ નિર્માતા તરીકે સૌથી વધુ એકેડેમી એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ તેના નામે છે. જો કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેની શરૂઆતની કારકીર્દિમાં, તેમને એક અખબાર દ્વારા એમ કહીને નોકરી માથી કાઢી મૂકવામાં આવ્યા હતા કે તે સર્જનાત્મક નથી અને પોતાના કાર્યમાં કલ્પનાશીલતાનો ઉપયોગ કરતા નથી. 5 ડિસેમ્બર, 1901 ના રોજ શિકાગોમાં જન્મેલા, વૉલ્ટ ડિઝનીને નાનપણથી જ એક અલગ અને અનોખો શોખ હતો, અને તે કાર્ટૂન બનાવવાનો હતો. તે હોલીવુડના કલાકાર બનવા માંગતા હતા, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે પોતાની કાર્ટૂન કંપની ખોલી, પણ એક પણ કાર્ટૂન વેચાયું નહીં અને પૈસાના અભાવે તેની પાસે ભાડા માટે અને ખાવા માટે પણ પૈસા નહોતા, તેથી તેણે તેના મિત્રો સાથે રહેવું પડ્યું. 25 વર્ષની ઉંમરે, તેણે ગેરેજને સ્ટુડિયોમાં રૂપાંતરિત કર્યો, અને પાંચ વર્ષ પછી ‘એલિસ ઇન કાર્ટૂનલેન્ડ’ અને ‘ઓસ્વર્લ્ડ ધ રેબિટ’ ના એનિમેશનથી તેને પહેલી સફળતા મળી. કાર્ટૂન બનાવવાનો શોખ હોવાને કારણે તેણે ટ્રેનમાં મિકી માઉસ બનાવ્યો, જે પાછળથી તેની કંપનીનું પ્રતીક બની ગયું. આ તે કાર્ટૂન છે જેણે તેને વિશ્વની મુસાફરી કરાવી. આ કાર્ટૂન દ્વારા તેને રાતોરાત ખ્યાતિ પ્રાપ્ત કરી. તમને જણાવી દઈએ કે વૉલ્ટ ડિઝનીને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 59 વખત ઑસ્કર એવોર્ડની વિવિધ કેટેગરીઝ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જેમાં તેણે આ એવોર્ડ 22 વખત જીત્યો છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર વોલ્ટ એકમાત્ર વ્યક્તિ છે. તેમના પછી આ એવોર્ડ જીતનાર સંગીતકાર આલ્ફ્રેડ ન્યુમેન સામેલ છે, જેમણે કુલ નવ ઓસ્કર જીત્યા હતા.