પોતાના વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં રહેલા ફિલ્મ અભિનેતા કમાલ રશિદ ખાન (કેઆરકે)ને સલમાન ખાન સાથે પંગો લેવો ભારે પડ્યો હતો. બોલિવૂડ ફિલ્મો અને ગીતોની સમીક્ષા કરતી વખતે કેઆરકે ઘણીવાર સ્ટાર્સની મજાક ઉડાવે છે, પરંતુ સલમાન ખાનની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની સમીક્ષા કરતાં કેઆરકેને મોટો ફટકો પડ્યો છે. કારણ કે ભાઈજાને કેઆરકે સામે મુંબઈ હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સલમાનના કેસ બાદ કેઆરકે પણ ફાઇટના મૂડમાં લાગી રહ્યો હતો, પરંતુ પછી કદાચ તેને એ પણ સમજાયું હશે કે સલમાન સાથેના મુકાબલામા તેને નુકશાન થઇ શકે છે તેથી તેણે સલીમ ખાનને વિનંતી કરી છે કે તે સલમાનને સમજાવે અને કેસ આગળ ન ધપાવે. કેઆરકેએ કહ્યું કે તે હવે ક્યારેય સલમાનની ફિલ્મોની સમીક્ષા નહીં કરે અને તેના બધા વીડિયો ડિલીટ કરશે.
અગાઉ કર્યું હતું આ ટ્વીટ
માનહાનિના કેસ બાદ કેઆરકેએ અગાઉ ટ્વીટ કર્યું હતું કે, “પ્રિય સમલન ખાન, આ માનહાનિનો કેસ તમારી હતાશા અને નિરાશાનો પુરાવો છે. હું મારા ફોલોવર્સ માટે રીવ્યુ (સમિક્ષા) કરું છું અને મારું કામ કરી રહ્યો છું. મને રીવ્યુ કરતા અટકાવવાને બદલે તમારે વધુ સારી ફિલ્મો બનાવવી જોઈએ. હું સત્ય માટે લડતો રહીશ. આ કેસ માટે આભાર’.
ભાઈજાનથી કેઆરકે ડરી ગયો.
તાજેતરમાં એક ટ્વીટમાં કેઆરકેએ લખ્યું હતું કે, “મેં અગાઉ ઘણી વાર કહ્યું છે કે હું ક્યારેય નિર્માતાઓ અથવા કલાકારોની ફિલ્મની સમીક્ષા કરતો નથી જે તેમની ફિલ્મની સમીક્ષા કરવાનો ઇનકાર કરે છે. સલમાને મારી સામે ‘રાધે’ની સમીક્ષા કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે જેનો અર્થ એ છે કે તે મારી સમીક્ષાથી ખૂબ જ દુ:ખી છે. તેથી હું હવે તેની ફિલ્મની સમીક્ષા નહીં કરું’.
પોતાના આગામી ટ્વીટમાં કેઆરકેએ સલમાન ખાનના પિતા સલીમને વિનંતી કરી હતી કે તેઓ કેસને આગળ ન વધરવા માટે ભાઈજાનને સમજાવે. કેઆરકેએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “સલીમ ખાન સર હું સલમાનની ફિલ્મ અને તેની કારકિર્દીને નુકસાન પહોંચાડતો નથી. હું ફક્ત મજાક માટે સમીક્ષા કરું છું. જો મને ખબર હોત કે સલમાન મારી સમીક્ષાથી પ્રભાવિત થશે તો હું સમીક્ષા નહીં કરું. જો તે મને તેની ફિલ્મની સમીક્ષા ન કરવાનું કહે તો હું તેની સમીક્ષા કરતો નથી. કૃપા કરીને તેમને કહો કે તે કેસને આગળ ન વધારે, હું મારા બધા રિવ્યુ વિડિઓઝ ડિલીટ કરી દઈશ’.