કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે.કાગવડ શ્રી ખોડલધામ મંદિર પરિસર 11 જૂનથી ભાવિકો માટે ખુલશે.સવારે 7-00 થી સાંજે 7-00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે.કોરોના વાઇરસની બીજી લહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે.ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે.10 એપ્રિલ-2021થી શ્રી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું.બે મહિના બાદ 11 જૂનથી શ્રી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે.
અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે. જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે. માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.
બીજી બાજુ, કોરોના મહામારી દરમિયાન પત્રકારોએ કોરોના વોરિયર બનીને કરેલી કામગીરી અને આ દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારો મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોરોના વોરિયર ગણી જીવ ગુમાવનારા 52 પત્રકારોને સહાય આપો, સંક્રમિત થનારા પત્રકારો અને તેના સ્વજનોને સારવાર ખર્ચ આપો. જયારે રાજ્યમાં એક વર્ષમાં ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં 1,89,303 નવા એકમની નોંધણી; કોરોના પછી મહિલાઓ, યુવાનો ઉદ્યોગ શરૂ કરવા માટે આગળ આવ્યા છે.અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ એમ.એસ.એમ.ઇ. એકમોમાં માઇક્રો કક્ષાના એકમોની સંખ્યા વધારે છે.સર્વિસ પ્રોવાઇડ કરતા મેન્યુફેક્ચરિંગ યુનિટની સંખ્યા વધારે નોંધાઇ, ઉદ્યોગ આધાર કરતા ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં નોંધાનારા એકમની સંખ્યા વધી છે.કોરોનામાં જેણે નોકરી ગુમાવી અથવા નોકરીથી સંતુષ્ટ નથી તે ઉદ્યોગ શરૂ કરી રહ્યા છે.