મોરબીના ખાનપરમાં પતિએ કરી પત્નીની હત્યા: પતિ મૃતદેહ છોટા ઉદેપુર લઇ ગયો
મોરબીના ખાનપર ગામે અગમ્ય કારણોસર પતિએ પત્નીની હત્યા નિપજાવી હતી અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો પતિ તેના મૃતદેહને ગાડીમાં મૂકીને રાતોરાત છોટાઉદેપુર સુધી લઇ ગયો હોય જ્યાં પરિવારજનો સાથે પોલીસ પણ ઉપસ્થિત રહેતા હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો હતો જે મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા આરોપી રેમલા નાયકે રાત્રીના સમયે તેની પત્ની ઝીનકીબેન નાયક પર દાંતરડાં વડે હુમલો કર્યો હતો અને ઝીનકીબેનના માથા પર દાતરડાના ચાર-પાંચ ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી હતી.જે બાદ રેમલા નાયકે તેની પત્નીના મૃતદેહને પોતાની કારમાં મૂકી અને રાત્રિના જ મૃતક પરિણીતાના પિયર છોટાઉદેપુર ખાતે જવા નીકળી ગયો હતો.
આખા રસ્તે કોઈ રોકટોક ન નડતા કુલ ૪૫૦ કિલોમીટરનું અંતર કાપીને આરોપી રેમલા નાયક છોટાઉદેપુર જિલ્લા ખાતે આવેલ પરિણીતાના પિયરે પહોંચી ગયો હતો અને ત્યાં કારમાંથી પરિણીતાના મૃતદેહને લઈને આરોપી રેમલો પોતાના સાસરિયા સમક્ષ આવ્યો હતો. પરિણીતાની હત્યાની જાણ થતા મૃતકના પતિજનો પર આભ ફાટી પડ્યું હતું અને જમાઇ દ્વારા આ રિતે મૃતદેહને લઈ આવતા તેઓ હતપ્રત થઈ હતા.
મૃતક પરિણીતા પરિજનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે ઝોઝ પોલીસ પણ ઉપસ્થિત હોવાથી હત્યા અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે