Thursday, December 26, 2024

સત્યાગ્રહની ભૂમિ ખાખરેચી ખાતે ૭૫માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો; પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી

મોરબીના માળીયા તાલુકામાં આવેલ સત્યાગ્રહની ભૂમિ એવા ખાખરેચી ખાતે ૭૫ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે માળીયા તાલુકાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

વંદે માતરમ્ ના નારા સાથે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તિરંગો અમારી આન બાન શાન અને જાન છે. ખાખરેચીની આ ભૂમિ સત્યાગ્રહ સેનાનીઓની ભૂમિ છે. આ વીરોએ દેશને આઝાદી અપાવવામાં માટે પોતાનું યોગદાન આપ્યું હતું. એ વીરોની સાથે દેશની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને શહાદત વહોરનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું આ પ્રસંગે લાખ લાખ વંદન કરું છું. અમૃત કાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જન જન સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અડગ લક્ષ્ય સાથે અંત્યોદય સુધી વંચિતોને તમામ યોજના પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામ ક્ષેત્રે ગુજરાત આગળ વધી નવી દિશા કંડારી રહ્યું છે.

આપણો દેશ એકતામાં અનેકતા ધરાવે છે. અહીં ભાષા, પરિધાન, સંસ્કૃતિ વગેરેમાં વિવિધતા છે પરંતુ આ વિવિધતામાં પણ એકતા રહેલી છે, આપણે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની વિભાવનામાં માનીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રામ રાજ્યની કલ્પના આજે રાષ્ટ્રમાં સાકાર બની છે. રામ લલા અયોધ્યામાં પધાર્યા છે ત્યારે વસુધૈવ કુટુંબનો નારો સમગ્ર વિશ્વને મળ્યો છે. તમામ લોકોને તેમણે આદર્શ મૂલ્યો, આદર્શ જીવન, ત્યાગ અને સમર્પણ અપનાવી રામ રાજ્ય લાવવા જણાવ્યું હતું. આદર્શ જીવન જીવનારા અને કણ કણમાં બિરાજતા શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે ને વિશ્વને હકારાત્મક ઊર્જા સાથે વિશ્વ શાંતિનો સંદેશ મળ્યો છે આમ સત્ય જ શ્રેષ્ઠ છે, એમ ભારતે સાર્થક કર્યું છે.

વિકાસના પથ પર સવા સો કરોડ ભારતીયોના એક ડગલે ભારત સવા સો કરોડ ડગલા આગળ વધી રહ્યું છે અને વિકસિત રાષ્ટ્ર બની રહ્યું છે. આપણું ભારત આધુનિકતાની સાથે સાંસ્કૃતિક ધરોહરને સાથે લઈને આગળ વધી રહ્યું છે. અહીં ટેકનોલોજી સાથે સદભાવના છે તો પૂર્ણ વિકાસની નેમ સાથે માનવતા પણ છે, નદી પર આધુનિક બંધની સાથે અમે હ્દયના સેતુ પણ બનાવી રહ્યા છીએ. તેમણે સૌ ઉપસ્થિતોને ભારતને સ્વચ્છ, વ્યસન મુક્ત, તમામને સન્માન મળે તેવું, કર્તવ્યનિષ્ઠ, વૃક્ષની સાથે રળિયામણું, શાંત અને સલામત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું. મોરબી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દુનિયાના નકશા પર ટાઈલ્સ બનાવવામાં મોરબી પ્રથમ નંબરે છે. ટાઈલ્સનું ૮૦ ટકા ઉત્પાદન મોરબીની ધરતી પર થાય છે.

આ ઉજવણીમાં મહિલા પોલીસ સહિત પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટ કર્યું હતું. મેરી દેશ ધરતી સોના ઉગલે….’, ‘વંદે માતરમ્ ……’, ‘યોગ નિદર્શન’, ‘તેરી મિટ્ટી મે મિલ જાવા..’, ‘સર જમીન પે…..’ સહિતના દેશ પ્રેમને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને દેશ ભક્તિથી તરબોળ કર્યા હતા. ઉપરાંત આ તકે રાષ્ટ્રીય/રાજ્ય કક્ષાએ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો, જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેબલોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે સુરક્ષા સેતુ સોસાયટી – પોલીસ વિભાગ, વન વિભાગ, પીજીવીસીએલ વિભાગ, વાસ્મો હેઠળ જલ જીવન મિશન, ખેતીવાડી અને બાગાયત કચેરી, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ચૂંટણી શાખા દ્વારા MDV વાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ આઈસીડીએસ વિભાગ વગેરની વિકાસગાથા, યોજનાઓ અને કામગીરી દર્શાવતા વિશેષ ટેબ્લો નિહાળી ઉપસ્થિત સૌ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી. પંડ્યા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, અગ્રણી રણછોડભાઈ દલવાડી, કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ ખાખરેચીના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર