કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તેને કરણ જોહરની ‘દોસ્તાના 2’ અને શાહરૂખ ખાનની (Freddie) ફ્રેડી ફિલ્મ માંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આનંદ એલ રાયે પણ તેને પોતાની ફિલ્મમાંથી કાઢી મૂક્યો છે તેવા અહેવાલો સામે આવ્યા હતા. કાર્તિક આ સમગ્ર મુદ્દે મૌન છે ત્યારે આનંદ એલ રાયએ એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે તેણે આ ફિલ્મમાં કાર્તિકને ક્યારેય સાઇન કર્યો નથી. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે શું સુશાંત સિંહ રાજપૂતની જેમ કાર્તિક આર્યનની સાથે પણ આઉટસાઈડર વ્યક્તિની જેમ વર્તન કરવામાં આવશે? આ બધી ચર્ચાઓ વચ્ચે હવે ડાયરેક્ટર-પ્રોડ્યુસર અનુભવ સિંહાએ મૌન તોડ્યું છે.
અનુભવ સિંહા કાર્તિક આર્યનના સમર્થનમાં આવ્યા.
અનુભવ સિંહાનું કહેવું છે કે કાર્તિક સામે પાક્કું કાવતરું ચાલી રહ્યું છે પરંતુ હું તેના સમર્થનમાં છું અને હું સમગ્ર મામલે તેના મૌનનું સન્માન કરું છું.
કાર્તિકને ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કરણ જોહર અને શાહરૂખ ખાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે બંનેનું કહેવું છે કે કાર્તિક પોતે આ ફિલ્મોમાંથી બહાર નીકળી ગયો છે. રસપ્રદ વાત એ છે કે કાર્તિક આર્યન હજી પણ આ સમગ્ર બાબત પર મૌન છે. જ્યારે અનુભવ સિંહાએ ટ્વિટર પર તેમના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. સિંહાએ લખ્યું છે કે તેઓ સમગ્ર મામલે કાર્તિકની મૌનનું સન્માન કરે છે.
અનુભવ સિંહાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “સામાન્ય રીતે એવું બને છે કે નિર્માતાઓ જ્યારે કોઈ અભિનેતાને તેમની ફિલ્મમાંથી પડતો મૂકે છે અથવા અભિનેતા ફિલ્મ છોડે છે ત્યારે નિર્માતાઓ તેના વિશે વાત કરતા નથી. મને ખાતરી છે કે કાર્તિક આર્યન સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તે અન્યાય છે. હું તેમના મૌનનું સન્માન કરું છું.
અનુભવ સિંહાનું આ ટ્વીટ આનંદ એલ રાયના નિવેદન પછી આવ્યું છે કે કાર્તિકને તેના પ્રોડક્શન હાઉસે ક્યારેય ફિલ્મ માટે સાઇન કર્યો નથી. તેણે કહ્યું, ‘જ્યારે ફિલ્મ માટે કાસ્ટિંગ હોય ત્યારે ઘણા કલાકારોની વાત કરવામાં આવે છે. કાર્તિક સાથે પણ વાત કરવામાં આવી હતી પરંતુ તેને આ ફિલ્મ માટે ક્યારેય સાઇન કરવામાં આવ્યો ન હતો. તેમને ડ્રોપ કરવાનો કે બહાર કાઢવાનો કોઈ પ્રશ્ન જ નથી.’ હવે ઘણા યુઝર્સે અનુભવ સિંહાના ટ્વીટ પર કાર્તિકને સપોર્ટ કર્યો છે.
