ઝૂલતા પુલ દુર્ઘટનાના આજે બે વર્ષ પૂર્ણ થયા; 135 નિર્દોષે ગુમાવ્યો હતો જીવ
મોરબી: 30 ઓક્ટોબરની 2022ની એ સાંજ..કે જ્યારે મોરબીની શાન સમા ઝુલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવ્યા હતા. કોને ખબર હતી કે આ ઝૂલતો પુલ અનેક નિર્દોષ જીવન માટે અંતિમ દિવસ બની જશે. દિવાળીના તહેવારો નજીક હતા. સહેલાણીઓ મોટી સંખ્યામાં ઝુલતા પુલની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સાંજના 6.35 વાગ્યે અચાનક મોરબી શહેર ચિચિયારીઓ અને સ્વજનોને ગુમાવનારા પરિજનોના આંક્રદથી ગુંજી ઉઠ્યું. કોઈનો ભાઈ, કોઇની બહેન, માતા, પત્ની તો કોઇનો દીકરો ઝુલતા પુલ અને મચ્છુ નદીના પાણીમાં બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા. ૧૩૫ નીર્દોષ મોતને ભેંટ્યાની ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે અને આગામી સમયમાં મોરબી કોર્ટમાં આ ચકચારી કેસનો ચાર્જ ફ્રેમ થશે અને ત્યાર બાદ કેસ આગળ ચાલશે.
ઝૂલતો પુલ તુટ્યો હોવાના સમાચાર સમગ્ર મોરબી શહેર અને જોત-જોતામાં આસપાસ સહિત સમગ્ર ગુજરાતમાં ફેલાય ગયા. મોરબી શહેરમાંથી લોકો મચ્છુ નદીના પાણીમાં અને ઝૂલતો પુલમાં ફસાયેલી જીંદગીઓને બચાવવા આવી પહોંચ્યા. અમુક સહેલાણીઓના જીવ બચ્યા પરંતુ એ કાળમુખી સાંજ 135 જીંદગીને ભરખી ગઈ. આ ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થવા જઇ રહ્ય છે. આ દુર્ઘટનાનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, મૃતકોના પરિજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે અને જ્યારે પણ એ બિહામણુ દૃશ્ય આંખો સામે તરવરી ઉઠે છે ત્યારે રાતની ઉંઘ છીનવી લે છે, આંખોની ભીની કરી દે છે અને હૃદયના ગમગીન બનાવી દે છે.
ત્યારે ઝૂલતાપૂલના સદગત મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રખર રામાયણી મોરારીબાપુ દ્વારા મોરબીમાં રામકથા પણ યોજવામાં આવી હતી જેમાં કથાના સમાપન પ્રસંગે મોરારીબાપુના એક નિવેદનથી મામલો ગરમાયો હતો. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા એકતાનો પરિચય કરાવવા માટે અજંતા ઓરેવા ગ્રુપના વડીલ ઓ.આર.પટેલની પુણ્યતિથિ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન કરી એકતાનો પરિચય કરાવામાં આવ્યો હતો. અને આ ઘટનાને પણ ઝૂલતાપૂલ સાથે જોવામાં આવી હતી. આજે આ ગોઝારી ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર મામલો કોર્ટમાં છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા 135 નિર્દોષ લોકોના પરિવાજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે.