પાકિસ્તાનના વડા પ્રધાન ‘દુષ્કર્મ’ અંગે આપેલા નિવેદનને લઇ ખરાબ રીતે ફસાઈ ગયા છે. તેમની સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વિરોધ કરનારાઓએ તેમને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, દુષ્કર્મથી બચવા મહિલાઓએ પડદામાં રહેવું જોઈએ. આ નિવેદન બાદ તેની ચારે બાજુ ટીકા થઈ હતી. પાકિસ્તાની ન્યુઝ એજેન્સી અનુસાર,વડા પ્રધાન વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓએ ગુરુવારે નેશનલ ક્લ્બની બહાર કર્યું હતું. વિરોધીઓએ ખાનની ટીકા કરતા કહ્યું કે એક સવાલના જવાબ દ્વારા કરેલી ટિપ્પણી બદલ વડા પ્રધાનએ માફી માંગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિરોધ કરનારાઓ માફી માંગવા માટે પ્લેકાર્ડ્સ અને બેનરો પકડતાં દેખાય હતા અને કહ્યું હતું કે આવા નિવેદનોથી અન્યાય કરનારાઓને પ્રોત્સાહન મળશે. વિશ્વવ્યાપી ટીકાની વચ્ચે ઈમરાન ખાનની પહેલી ભૂતપૂર્વ પત્ની જેમીમા ગોલ્ડસ્મિથે પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. જેમીમાએ કુરાનને વળતો જવાબ આપતા કહ્યું હતું કે પુરુષોને આંખ પર પડદો નાખવાની શીખ આપવામાં આવી છે ન કે મહિલાને પડદામાં ઢાંકવાની. આ સાથે જ, ઇમરાનની બીજી ભૂતપૂર્વ પત્નીએ વડા પ્રધાનને મોં બંધ રાખવાની સૂચના આપી હતી.