જૂન થી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે અને જો આ વર્ષે આઇપીએલની બાકીની મેચો નવેસરથી યોજાય તો ઈંગ્લેન્ડના ક્રિકેટરો રમી શકશે નહીં. આ બાબત ઈસીબી ક્રિકેટ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે જણાવી હતી. આઇપીએલ બાયો બબલમાં કોરોના સંક્રમણના કેસ આવ્યા બાદ ગયા અઠવાડિયે લીગ સ્થગિત કરવામાં આવી હતી હવે તે સપ્ટેમ્બરના અંતમાં અથવા નવેમ્બરના મધ્યમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા યોજાઈ શકે છે. ઈંગ્લેન્ડના ટોચના ક્રિકેટરો બંને વખત વ્યસ્ત રહેશે. તે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પ્રવાસ કરવાના છે જ્યારે ટી-૨૦ વર્લ્ડ કપ પછી જ એશિઝ સિરીઝ રમાશે. જાઇલ્સએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમારી ભવિષ્યની યોજના (એફટીપી) ખૂબ વ્યસ્ત છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસ (સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં) નક્કી કાર્યક્રમ પ્રમાણે આગળ વધ્યા તો મને આશા છે કે અમારા બધા ખેલાડીઓ ત્યાં હશે. જાઇલ્સએ એવા સૂચનોને નકારી કાઢ્યા હતા કે ઇસીબીએ તેની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે જેણે અગાઉ કહ્યું હતું કે આઇપીએલ રમવાને કારણે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી તેના ખેલાડીઓને બહાર કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઇપીએલના પુનઃનિર્ધારિત કાર્યક્રમનો ભાગ બનવા માટે પોતાનું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ છોડશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે “અમને ખબર નથી કે આઇપીએલની બાકીની મેચો ક્યારે નિર્ધારિત કરવામાં આવશે અને તે ક્યાં હશે. આ સિઝનમાં ન્યુઝીલેન્ડ સામેની મેચોમાંથી અમારું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે. અમારે ટી-20 વર્લ્ડ કપ અને પછી એશિઝ શ્રેણી રમવાની છે. અમારે અમારા ખેલાડીઓના કાર્યભારનું પણ ધ્યાન રાખવાનું છે.