સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કોરોના રસી ઉત્પાદન માટે ભારતની પ્રશંસા કરી છે. ગુતારેસએ જણાવ્યું હતું કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે વિશ્વ સમજી જશે કે તેનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું, અમને આશા છે કે રસીકરણમાં ભારતનું મહત્વનું યોગદાન રહેશે. ભારત પાસે તમામ સાધન છે અને વિશ્વમાં રસીકરણમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. તેના પ્રયત્નો વૈશ્વિક રસીકરણ અભિયાનને સફળ બનાવશે. તમને જણાવી દઇએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયોટેક દ્વારા ભારતમાં મોટા પાયે રસીઓ બનાવવામાં આવી છે. દેશમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. ભારત અન્ય દેશોમાં પણ રસી મોકલી રહ્યું છે. મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં અમે ઓમાનને રસીના એક લાખ ડોઝ, કેરીકોમ દેશો (કેરેબિયન સમુદાય) ને પાંચ લાખ અને નિકારાગુઆ અને પેસિફિક ટાપુઓને બે લાખથી વધુ ડોઝ આપવાની યોજના બનાવી રહ્યા છીએ. આ ઉપરાંત, બ્રાઝિલ, મોરોક્કો અને બાંગ્લાદેશમાં વ્યાપારી નિકાસ કરવામાં આવી છે. તેની સપ્લાય સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, મંગોલિયા અને અન્ય દેશોમાં કરવામાં આવશે.