કરોના વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે. ગયા વર્ષે પતંજલિએ કોવિડ -19 દવા તરીકે ‘કોરોનિલ’ શરૂ કર્યું હતું. જો કે, વિવાદ પછી તેણે રોગની અસરો ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે તેવું કહેવામાં આવ્યુ હતું. હવે ફરી એક વખત પતંજલિ યોગપીઠના બાબા રામદેવે કોવિડ -19 ની દવા તરીકે ‘કોરોનિલ’ શરૂ કર્યું છે. જ્યારે લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા. આ વખતે રામદેવે ‘કોરોનિલ’ સંબંધિત પુરાવા જાહેર કર્યા છે. યોગ ગુરુ રામદેવે પતંજલિ દ્વારા COVID-19 ની પ્રથમ પુરાવા આધારિત દવા પર વૈજ્ઞાનિક સંશોધન પેપર બહાર પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રામદેવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ‘કોરોનિલ’ ને પ્રમાણિત દર્શાવ્યું છે. સ્વામી રામદેવે લોન્ચ કરતાં કહ્યું કે લોકો માને છે કે સંશોધન કાર્ય માત્ર વિદેશમાં જ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે આયુર્વેદની વાત આવે છે, ત્યારે લોકો સંશોધન કાર્યને શંકા સાથે જોતા હોય છે. તેમણે એમ પણ કહ્યું કે રોગચાળા દરમિયાન કોરોનિલે લાખો લોકોને ફાયદો કર્યો છે. ખાનગી મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામદેવે લોકાર્પણ દરમિયાન દાવો કર્યો હતો કે દવા ‘3-7 દિવસની અંદર 100 ટકા રિકવરી રેટ પ્રદાન કરી શકે છે. રામદેવે, દવા લોન્ચ કરતી વખતે બધા વૈજ્ઞાનિક પ્રોટોકોલો ધરાવતું સંશોધન પેપર પણ બહાર પાડ્યું જે કોરોનિલના પરીક્ષણો માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. નવી દવાનું નામ પણ કોરોનિલ છે. પતંજલિનું કહેવું છે કે કોરોનિલની ગોળીઓ હવે કોવિડનો ઇલાજ કરશે.આયુષ મંત્રાલયે કોરોનિલની ગોળીઓને કોરોના દવાઓ તરીકે સ્વીકારી છે.