મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, રિઝર્વેશન રૂમ, કંટ્રોલરૂમ, સ્ટુડન્ટ પાસ, ડેપો મેનેજર રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, વીઆઈપી વેઇટીંગ લોંજ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, કેન્ટીન, પાર્સલ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફિડીંગ રૂમ, ઈલેક્ટ્રિક રુમ, વોટર રૂમ, સ્ટોલ્સ અને શૌચાલય બનાવાશે. જ્યારે પ્રથમ માળ પર બુકિંગ રૂમ, કેસ રૂમ, નાઈટ ક્રુ રેસ્ટરૂમ જેવી સુવિધા ઊભી કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઈ-ઉદ્ઘાટન કરાયું હતું ત્યારે મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સહિતના હાજર રહ્યા હતા. યાત્રાધામ વીરપુરને રૂ.2.96 કરોડના ખર્ચે બસસ્ટેશનની સુવિધા મળશે. યાત્રાધામ વીરપુરના નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર બીજી લહેર વખતે વધુ માત્રામાં હતો જેના કારણે લોકોની વેક્સિનેશન અંગેની જાગૃતિ વધી રહી છે. અત્યાર સુધી મોરબી જિલ્લામાં ૪૫થી વધુ વયની વ્યક્તિઓને જ રસી અપાતી હતી. જ્યારે શુક્રવારથી 18 થી 44 વર્ષની વયના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ કરાયું છે. 45થી ઉપરની વયના લોકોનું જિલ્લામાં અત્યાર સુધીમાં 39% વેક્સિનેશન થયું છે. મોરબી જિલ્લામાં 45થી વધુ વયના લોકોમાં 64થી વધુ ગામોમાં 20 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થયું છે. જેમાં પાંચ ગામોમાં તો એક પણ વ્યક્તિએ વેકસીન લીધી નથી.20 ટકાથી ઓછા વેક્સિનેશનમાં મોરબી તાલુકાના 18 ગામ, વાંકાનેરના 29 ગામ, માળીયા મિયાણા તાલુકાના 11 ગામ, ટંકારાના 5 ગામ તથા હળવદના 1 ગામનો સમાવેશ થાય છે. તો બીજી તરફ આજથી જ શરૂ થયેલા 18 થી 45 વર્ષની વયના લોકોએ પહેલા જ દિવસે વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને 15 સેન્ટરોમાં ત્રણ હજાર લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.