નવો સ્માર્ટફોન આપણને ખુશી આપે છે. પરંતુ તે સ્માર્ટફોન જો ભૂલથી પાણીમાં પડી જાય તો તે ખુશી ચકનાચૂર થઇ જાય છે. ઘણા વોટરપ્રૂફ ફોન્સ પણ માર્કેટમાં આવે છે પરંતુ દરેક લોકો વોટરપ્રૂફ ફોન્સ લેતા નથી. કારણ કે તે મોંઘા હોય છે. આવી સ્થિતિમાં, જો ફોન પાણીમાં પડે છે અથવા વરસાદમાં પલળે છે, તો પછી કેટલીક રીત દ્વારા તેને સરખો કરી શકાય છે. અમે અહીં કેટલીક રીત બતાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા પાણીમાં પડેલ ફોનને સરખો કરી શકાય.
પાણીમાં પડેલ ફોનમાંથી પાણીને દૂર કર્યા પછી ફોન ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ઘણા લોકો ફોન ચાલુ છે કે નહીં તે તપાસવા માટે ફોન ચાલુ કરે છે. જે ખોટું છે. આવું ક્યારેય ન કરવું. આ ઉપરાંત ભીના ફોનને કયારેય ચાર્જિંગમાં ન મુકવો જોઈએ. હેર ડ્રાયરથી ફોનને સૂકાવો નહીં. હેર ડ્રાયર ગરમ હવા ઉત્પન્ન કરે છે. તે ગરમ હવા તમારા ફોનના પાર્ટ્સને નુકશાન પહોંચાડી શકે છે. સામાન્ય હવા પણ ફોનના તે ભાગોમાં પહોંચી શકે છે જ્યાં હવા ન જવી જોઈએ. તેનાથી તમારા ફોનમાં વધુ નુકશાન થઇ શકે છે. આ વાત થઇ ફોન પાણીમાં પડયા પછી શું ન કરવું જોઈએ હવે વાત કરીએ કે પાણીમાં ફોન પડી જાય પછી શું કરવું જોઇએ.
જો પાણીમાંથી બહાર કાઢ્યા પછી પણ જો ફોન પાવર ચાલુ છે, તો પહેલા તેને બંધ કરો. ફોન માંથી સીમ કાર્ડ અને માઇક્રો-એસડી કાર્ડ કાઢો. જો તમારા ફોનમાં રિમુવેબલ બેટરી છે તો તેને પણ કાઢી લો. જો શક્ય હોય તો,નોન રિમુવેબલ બેટરીવાળા મોબાઇલને રિપેરિંગ શોપ પર લઈ જાઓ અને તેની બેટરી દૂર કરો. બેટરી દૂર થવાને કારણે ફોનને નુકસાન થવાની સંભાવનાઓ ઘણી ઓછી થાય છે. કાપડની સહાયથી ફોનમાં રહેલ મહત્તમ પાણીને સૂકવી દો. પછી ચોખાની કોથળીમાં ફોન મૂકી દો. ફોનને સુકાવવા માટે આ રીત વધુ ઉપયોગમાં લેવાય છે. ફોનને ચોખા ભરેલી થેલીમાં 24 કલાક સુધી રાખો. ત્યારબાદ તપાસો કે ફોન ચાલુ છે કે બંધ. જો ફોન ચાલુ ન થાય તો બની શકે કે ફોનની બેટરી ખરાબ થઈ હોય. તો તે ફોનને રીપેરીંગ શોપ પર બતાવવો અનિવાર્ય છે. અને જો ફોન ચાલુ હોય તો તેમાં મ્યુઝિક એપ ચાલુ કરી જોઈ શકો છો કે ફોનનું સ્પીકર બરોબર ચાલે છે કે નહિ. આવી રીત દ્વારા તમે પાણીમાં પડેલ ફોનને સરખો કરી શકો છો.