ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર એરિયા બની રહ્યો છે, જેના કારણે ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું રવિવાર સુધીમાં પશ્ચિમ કાંઠે ત્રાટકશે અને ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોને અસર કરશે. તૌકતે નામના આ વાવાઝોડાનું નામ પડોશી મ્યાનમારએ રાખ્યું છે, જેનો અર્થ અત્યંત અવાજ કરનારી ગરોળી એવો થાય છે.
માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી.
ચક્રવાતી વાવાઝોડાને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનફૂંકાવાની સંભાવના છે. તેની અસર લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત પર પડી શકે છે. વિભાગે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી જારી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે ૧૪ થી ૧૬ મે વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર આ વાવાઝોડું 20 મેના રોજ કચ્છ વિસ્તારમાંથી પસાર થઈને દક્ષિણ પાકિસ્તાન જાય તેવી શક્યતા છે. જો આમ થશે તો તે 17 કે 18 મે સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડાને કારણે માલદીવના લક્ષદ્વીપમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. વિભાગ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે કે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.
શુક્રવારે દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના
બુધવારે સાંજથી વરસાદ અને ઠંડા પવનને કારણે લોકોને ગરમીથી રાહત થઈ છે. ગુરુવારે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન વિભાગે શુક્રવારે પણ અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. કાશ્મીરમાં અને જમ્મુ વિભાગના ઘણા વિસ્તારોમાં વરસાદ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં એક-બે ઊંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં શુક્રવારે પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, જેમાં વિભાગે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથૌરાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે જ્યારે ઉંચા પહાડી વિસ્તાર પર બરફવર્ષા થવાની સંભાવના છે.