હળવદમાં પત્નીની હત્યા નીપજાવનાર પતિએ ઝેરી દવા પી કર્યો આપઘાત
હળવદ: હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બહેનના ઘરે આવેલ દંપતિ વચ્ચે દારુ પીવા બાબતે વહેલી સવારે માથાકુટ થતા પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી પત્નીની નીર્મમ હત્યા નિપજાવી હતી અને પતિએ પણ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ મૂળ વાંકાનેરના વતની અને હાલ મોરબી રહેતા મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) ની બહેનના સસરા બીમાર હોવાથી તેના ખબર અંતર પૂછવા માટે મદીનાબેન પોતાના પતિ સાથે બહેનના ઘરે હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયા હતા ત્યારે બહેનના ઘરે વહેલી સવારે દારૂ પીવા બાબતે પતિ પત્ની વચ્ચે માથાકુટ થતાં પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની નીર્મમ હત્યા કરી હતી. ત્યારબાદ થોડે દૂરથી પત્નીની હત્યા નીપજાવનાર પતિ યુનુસ અબ્રાહમભાઈ સંધી નામના વ્યક્તિએ પણ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેથી હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારથી થોડે દૂર હનુમાનજીના મંદિર પાસેથી આરોપી પતિ યુનુસનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પતિ અને પત્ની બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.