હળવદમાં ત્રણ શખ્સોએ છરીની અણીએ ચલાવી લુંટ
હળવદ: મોરબી જિલ્લામાં દિવસેને દિવસે લુંટ ફાટ, મારામારી અને ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે હળવદના નર્મદા કેનાલ રોડ ઉપર યુવકના ગળે છરી રાખી ત્રણ અજાણ્યા શખ્સોએ ૧૪૫૦૦ રૂપિયાની લુંટ ચલાવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ હળવદ મોરબી ચોકડી પાસે, જ્હોન – ડીયર શો -રૂમની પાછળ રહેતા પ્રકાશભાઇ ગોપાલભાઈ કુમાવત (ઉ.વ.૨૬) એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ ઉપરથી ફરીયાદીના ગળાના ભાગે છરી મુકી ભય બતાવી મોટરસાયકલમાં બેસાડી એક રૂમ ઉપર લઈ જઈ ધોલ-ધપાટ કરી ભય બતાવી ત્યાંથી કોઇ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરીયાદીના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૪૫૦૦/- કાઢી લઈ તેમજ ફરીયાદીના મોબાઈલ ફોનમાંથી મોબાઈલ ફોન નં.૯૦૧૬૯૭૦૬૩૦ વાળા ગૂગલ-પે એકાઉન્ટમાં રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૧૪,૫૦૦/- ની લુંટ કરી નાશી ગયા હતા. જેથી ભોગ બનનાર પ્રકાશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૬૫,૩૯૪,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.