હળવદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી 3 શાળાઓને નોટિસ
હળવદમાં જાહેર રજાઓનો ઉલાળ્યો કરીને અવાર નવાર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા હોવાની ફરિયાદો સામે આવી છે.
જેમાં અગાઉ પણ કોરોના સમયે શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાના પણ બનાવ સામે આવ્યો છે. તો સાથે ગાંધી જયંતિ, બકરી ઈદ હોય કે પછી સરદાર પટેલની જન્મજયંતી આ તમામ જાહેર રજાઓમાં હળવદની ખાનગી સંસ્થાઓ નિયમોને નેવે મુકીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની ચર્ચાઓ સામે આવી હતી. જોકે સરદાર પટેલ જન્મજયંતી નિમિતે હળવદની કેટલીક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોવાની અરજદાર હિતેશભાઈ વરમોરાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સીસીટીવી ચકાસણી કરીને નોટિસ આપવા અને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જોકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હળવદ શહેરમાં માત્ર ત્રણ ખાનગી શાળાઓને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા નોટિસ ફટકારી છે. જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિદ્યાલયને નોટિસ આપવામાં આવી છે. પંરતુ આ માત્ર કહેવા પુરતી જ અને રજૂઆતના આધારે જ કાર્યવાહી થઈ છે. વાસ્તવિકતામાં જો ખાનગી સ્કૂલોના સીસીટીવીની ચકાસણી કરવામાં આવે તો હળવદ તાલુકામાં ધમધમતી મોટાભાગની ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું.
જેથી કરીને શિક્ષણ વિભાગની આ કામગીરીથી સવાલોના ઘેરામાં છે, કારણ કે રજૂઆત કર્તા હિતેશભાઈ વરમોરાએ તમામ ખાનગી શાળાના સીસીટીવી ચકાસણી કરીને નોટિસ આપવા રજૂઆત કરી હતી. પરંતુ માત્ર ત્રણ ખાનગી સ્કૂલોને નોટિસ આપીને જવાબદાર તંત્રએ સંતોષ માની લીધો છે.