ગુરૂ વંદના: આજે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય
ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસ ગુરુને સમર્પિત છે. ભારતમાં પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરાથ ચાલી રહી છે. આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે. ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેઓ મહાન ગ્રંથ મહાભારતના રચયિતા છે. દેશભરમાં ગુરુ પૂર્ણિમાન દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા અને દર્શન કરી આર્શીવાદ મેળવે છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરી શિષ્ટને અંધકાર માંથી પ્રકાશ તરફ, અધર્મ થી ધર્મ તરફ લઇ જાય છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે, ગુરુ દક્ષિણા અર્પણ કરે છે અને ગુરુએ ચિંધેલા માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે. આ સાથે જ આ ખાસ દિવસે તેઓ પોતાના ગુરૂએ બતાવેલા સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ માટે પણ આભાર વ્યક્ત કરે છે.
*ખરા અર્થમાં કોણ કહેવાય છે ગુરુ*
ગુરુ શબ્દના શાબ્દિક અર્થની વાત કરીએ તો તેમાં ગુ શબ્દનો અર્થ થાય છે અંધકાર અને રુ શબ્દનો અર્થ થાય છે દૂર કરનાર. એટલે કે અંધકારને દૂર કરનાર વ્યક્તિ હોય છે ગુરુ.
વ્યક્તિના જીવનમાં શિક્ષક ઘણા હોય છે પરંતુ ગુરુ માત્ર એક જ હોય છે. ગુરુ તેને કહેવાય છે જેના માટે તેના શિષ્યનું હિત સર્વોપરી હોય. શિષ્યના હિતમાં અને તેનું ભવિષ્ય સુધારવા માટે ગુરુ તેને કડવા વચન પણ કહે છે. ગુરુ તેના શિષ્યના જીવનને આકાર આપવાનું કામ કરે છે. તેને કોઈ એક વિષયનું નહીં પરંતુ સંપૂર્ણ જીવનનું જ્ઞાન હોય છે અને તેના આધારે તે શિષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે.