મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં વિનાશક ચક્રવાત તૌકતેને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી આશરે 10,000 કરોડ રૂપિયાની વધુ મદદ માંગી છે. 17 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડાથી 23 જિલ્લાઓ પ્રભાવિત થયા હતા, જેમાંથી ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢને ભારે તબાહી અને જાનહાનિનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સરકારે કેન્દ્રને મોકલેલા આવેદનપત્રમાં રાષ્ટ્રીય આપદાના રાહતના ભાગ રૂપે 9 હજાર 836 કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની માંગ કરી છે. મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વિવિધ વિભાગના સચિવ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 1975, 1982 અને 1998માં આવેલા વાવાઝોડા કરતા આ ગુજરાતનું સૌથી ખતરનાક ચક્રવાત હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં 220 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે, માલ, પશુધન અને પાક અને વાવેતરને ભારે નુકસાન થયું હતું.
કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ૧૮ મેના રોજ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાને તરત જ ગુજરાતને 1,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ અને મૃતકોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. ગુજરાત સરકારે પોતે પણ 500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, જેમાં મૃતકોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50-50,000 ની જાહેરાત કરવામાં આવી હતી. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો અને ઝૂંપડીઓને ભારે નુકસાન થયું હતું.
પાક અને વાવેતર સંપૂર્ણપણે નાશ પામ્યા
બાગાયતી પાક કેરી, ચીકુ, નાળિયેર વગેરે પાકમાં ભારે નુકશાન થયું હતું. હજારો વીજળીના થાંભલા અને લાખો વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજ્ય સરકારે રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાં કેન્દ્ર પાસેથી વધારાના 500 કરોડ રૂપિયાની પણ માંગ કરી છે.