કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન પર સૂઈને સારવાર લેવા મજબુર થવું પડતું હતું, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓને સુવા માટે 20 જેટલા બેડ અને ગરમીથી બચવા માટે પંખાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જુનાગઢ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. તેવા સંજોગોમાં ના છુટકે દર્દીઓ સરકારી હોસ્પિટલનો સહારો લેવા મજબુર બને છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ હોવાનું અને રોજના 100 જેટલા દર્દીઓને કલાકો સુધી દાખલ થવા માટે પણ વેઈટીંગમાં રહેવું પડતું હોય છે.
જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા માનવતા દાખવી દર્દીઓની વેઇટિંગ રૂમમાં જ સારવાર શરૂ કરવામાં આવી હતી. તો સાથે જ કોઈ વ્યવસ્થા ન હોવાથી દર્દીઓને ના છુટકે જમીન પર જ સારવાર લેવા માટે સૂવું પડતું હતું, ત્યારે વહીવટી તંત્રના કાને ફરિયાદ પહોચતા તાત્કાલિક ધોરણે 20 જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો સાથે ગરમીના કારણે અકળાઈ ઉઠેલા દર્દીઓ માટે પંખા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, ત્યારે વહીવટી તંત્રની સરાહનીય કામગીરીના પગલે દર્દીઓ અને તેમના સ્વજનોએ હાશકારો અનુભવ્યો છે…..