વિશ્વભરની મહિલાઓ ઉચ્ચ હોદ્દા પર પોતાની આવડતનો ડંકો વગાડી રહી છે . તબીબી, વ્યવસ્થાપન, મનોરંજન, રાજકારણ કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે. જ્યારે વિશ્વમાં મોટા દેશોના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે, પરંતુ તે હજી પણ યોગ્ય પ્રમાણમાં નથી. જો કે, વિશ્વના કેટલાક દેશો એવા છે કે જ્યાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની ટકાવારી વિશ્વ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થાય છે. આંતર સંસદીય સંઘના ડેટાના અહેવાલ મુજબ રવાંડાની સંસદમાં (નીચલા ગૃહમાં) મહિલાઓની ભાગીદારી 61.3 ટકા છે. રવાંડાનું આ સૂચિમાં પ્રથમ સ્થાન મેળવવું એ એટલા માટે પણ વખાણવા લાયક છે કારણ કે 1994 માં નરસંહારનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો હતા. આ જનસંહારમાં દેશની લગભગ 20 ટકા વસ્તી ગુમાવાઈ હતી. હકીકતમાં, 7 એપ્રિલ 1994 ના રોજ રવાંડાના રાષ્ટ્રપતિ હેબિઅરીમાના અને બુરન્ડિયનના રાષ્ટ્રપતિ સિપ્રેનની વિમાનમાં બોર્ડિંગ વખતે હત્યા કરવામાં આવી હતી. તે સમયે હુતુ સમુદાય સરકારમાં હતો અને તેમને લાગ્યું હતું કે આ હત્યા તુત્સી સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે. તેની હત્યાના બીજા દિવસે, દેશભરમાં નરસંહાર શરૂ થયા. હુતુ સરકારના પોતાના સૈનિકો પણ તેમાં જોડાયા હતા. તેને તુત્સી સમાજના લોકોની હત્યા કરવાનો આદેશ અપાયો હતો. આ હત્યાકાંડમાં, થોડા દિવસોમાં 80,000 થી વધુ તુત્સી સમાજના લોકો માર્યા ગયા હતા. ઘણા દેશ છોડીને ભાગી ગયા હતા. રવાન્ડાએ આ દુર્ઘટના પછી મહિલાઓ માટે નવા દરવાજા ખોલ્યા અને તેમના માટે ત્રીસ ટકા રાજકીય બેઠકો આરક્ષિત કરી. સંસદમાં મહિલાઓના ઉત્તમ પ્રતિનિધિત્વની બાબતમાં ક્યુબા બીજા નંબરે છે. અહીં 53.4 ટકા મહિલાઓ નીચલા ગૃહમાં છે. યુએઈ આ યાદીમાં ત્રીજા નંબરે છે, ચોથા નંબર પર નિકારાગુઆ અને પાંચમાં નંબર પર ન્યુઝીલેન્ડ છે.