શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે 44-દિવસીય ભંડોળ સમર્પણ અભિયાનમાં કલ્પના કરતા વધારે નિધિ અર્પણ થઇ છે. અમે આ અભિયાનમાંથી એક હજાર કરોડ રૂપિયાની અર્પણ નિધિની અપેક્ષા રાખી હતી, પરંતુ અત્યાર સુધીના આંકડામાં, તે ત્રણ હજાર 500 કરોડ રૂપિયાથી વધુનો સંગ્રહ થયો છે, જ્યારે હજી પણ આ અભિયાનમાંથી આવેલ રકમની ગણતરી ચાલી રહી છે. તેમાં વિદેશી ચલણ શામેલ નથી. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ભંડોળ સાથે, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોના લોકો પાસેથી સમર્પણ લેવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. ચંપત રાય છત્રપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ), અશોક સઘલ ફાઉન્ડેશન અને નમો સદભાવના સમિતિ દ્વારા આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સામેલ સંતો અને ભક્તોને સંબોધન કરી રહ્યા હતા. મંદિર નિર્માણની પ્રગતિ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે પાયા ભરવાનું કામ પાંચથી છ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે, જ્યારે ત્રણ વર્ષમાં આ ‘રાષ્ટ્ર મંદિર’નું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે રાજસ્થાનના ભરતપુરથી મંદિર માટે લાલ પથ્થર મંગાવવામાં આવી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, મંદિર ટ્રસ્ટની વિનંતી પર, રાજ્ય સરકારે તે વિસ્તારને વન વિસ્તારની બહાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આશા છે કે આ અવરોધ પણ ટૂંક સમયમાં દૂર થઈ જશે. તેમણે સરકાર દ્વારા દેશના પ્રતિષ્ઠિત મંદિરોના થતા સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મંદિરનું સંચાલન મંદિરના ભક્તોના હાથમાં હોવું જોઈએ. આ પ્રસંગે, તેમણે આદ્ય કાત્યાયની શક્તિપીઠ ખાતે યજ્ઞ પરિસરની મુલાકાત લીધી હતી અને સંતોનો આશીર્વાદ લીધો હતો. આ યજ્ઞ શનિવાર સુધી રહેશે. દક્ષિણ ભારતના બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે તેને પૂર્ણ કરવામાં આવી રહ્યો છે.