26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.
ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ખેડૂતોમાં ફૂટ પડી હોવાનું નજરે પડ્યું. રવિવારે મીટિંગમાં હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવા, કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવવા અને દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસનેતા પાસેથી આંદોલનના નામે લગભગ 10 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લાગ્યા. આરોપ હતો કે તે કોંગ્રેસી ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની ડીલ પણ કરી રહ્યા છે. ચઢુનીએ તમામ આરોપો નકારી દીધા છે.