દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા થોડા દિવસથી કોરોનાની સારવારના દર્દીઓનો ઘસારો વધતા વેન્ટિલેટર, ઓક્સિજનનો બેડ ભરાઈ હાઉસફુલ થઈ ચુક્યા છે.સ્થાનિક હોસ્પીટલના કોવિડ સેન્ટરમાં હાલ અત્યારે 116 દર્દીઓ ઓક્સિજન અને 25 દર્દીઓ વેન્ટિલેટરની સારવાર હેઠળ રહયા છે ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ હાલ અત્યારે હાઉસ ફૂલ થઈ જતા નવા આવતા દર્દીઓ માટે કલાકો સુધી પ્રતીક્ષા કરવી પડે છે.
દ્વારકા જિલ્લાની મુખ્ય ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરમાં કોરોનાની સારવાર અર્થે દર્દીઓ આવી રહ્યા છે. તેમજ છેલ્લા થોડા દિવસથી અન્ય જિલ્લાઓમાં દર્દીઓને સારવાર માટે જગ્યાના મળતા ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલમાં ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સ વાહનની લાઈનો જોવા મળી છે, ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલમાં બેડ ના મળતા એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સારવાર આપવામાં આવી રહી છે.અમુક દર્દીઓને હોસ્પિટલમાં બેડના મળતા નીચે સૂઈ સારવાર લેવાનો વારો આવી રહ્યો છે.કોરોનાની સારવાર માટેની ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ હાઉસફુલ થઈ જતા દર્દીઓને સારવાર માટે ક્યાંય જગ્યા ન મળતી હોવાની અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ રહયુ છે.ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લામાં અનેક લોકોનું ઓક્સિજન સહિતની સમયાંતરે સારવારના મળતા જીવ ગુમાવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે.
દ્વારકા જિલ્લામાં કોરોનાની મહામારીને કારણે જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ધંધા રોજગારો પડી ભાગ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સમય ભારે કપરો સાબિત થઈ રહ્યો છે.કોરોના દર્દીઓના નિદાન માટે સીટી સ્કેન કરાવું પડે તો દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ નથી.તેમજ ખંભાળીયા ખાતે માત્ર એક ખાનગી સીટી સ્કેન સેન્ટર આવેલું છે ત્યાં પણ કલાકોની વેઇટિંગમાં વારો આવે છે. જયારે કોરોનાની મહામારીમાં સીટી સ્કેનના આશરે 3 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે. જયારે રિપોર્ટ માટે 4થી 5 કલાકે વારો આવે છે.