ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. પીટરસન તાજેતરમાં ભારતમાં હતો. તે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આઇપીએલ મુલતવી રાખવામાં આવ્યા બાદ પીટરસને ભારત છોડી દીધું છે અને ત્યાર બાદ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું. પીટરસને કોરોના મહામારીથી પીડાતા ભારતના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું ભારત છોડી ચૂક્યો છું, પરંતુ હું હજી પણ એવા દેશ વિશે વિચારી રહ્યો છું જેણે મને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. કૃપા કરીને લોકો સુરક્ષિત રહે. આ સમય પસાર થઈ જશે પણ તમારે સાવચેત રહેવું પડશે.” પીટરસનના આ ટ્વીટ પર લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, ઇમોશનલ કરી દીધા અને એક વ્યક્તિએ તેની હિન્દીની પ્રશંસા કરી અને અદ્ભુત કહ્યું. ઉલ્લેખનીય છે કે ઘણી ટીમોમાં કોરોનાના કેસ નોંધાયા બાદ આઇપીએલ-14 મુલતવી રાખવામાં આવી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. વધુ 31 મેચો બાકી છે. બીસીસીઆઈએ નક્કી કરવાનું છે કે સિઝનની બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે. બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે આઇપીએલ-14ની બાકીની મેચો ભારતમાં રમાશે નહીં. તેમણે કહ્યું કે ટી-૨૦ લીગની બાકીની મેચો દેશમાં યોજાશે નહીં. જો કે તેમણે કહ્યું કે તે ક્યારે યોજાશે તે કહેવું વહેલું છે. જો લીગની બાકીની મેચો નહીં રમાય તો બોર્ડને આશરે 2500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.