દુર્ભાગ્યપૂર્ણ બાબત: રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નડતરરૂપ દબાણ દૂર કરવા વધુ એકવાર કલેક્ટરને લેખિત રાવ
આ અગાઉ જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચ, સ્ટેટ માર્ગ-મકાન નાયબ કાર્યપાલક, મોરબી મામલતદારને અનેકો વખત લેખિત રજૂઆતો કરેલ, છતા પરિણામ શૂન્ય
મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પાકો ધાબો કરી કેબીન ઉભી કરી, કરવામાં આવેલ નડતરરૂપ દબાણને દૂર કરવા રફાળેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ એકવાર મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી તાત્કાલિક નડતરરૂપ દબાણ દૂર કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી દબાણ કરનારાઓ સામે ત્વરિત કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અનેકો વખત જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચ તથા સ્ટેટ માર્ગ અને મકાન મોરબી વિભાગના નાયબ કાર્યપાલક તેમજ મોરબી મામલતદાર સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતા ક્યાં કારણોસર આ નડતરરૂપ દબાણ દૂર કરવામાં નથી આવતું તે પણ એક ખાતાકીય તપાસનો વિષય છે.
મહારાજા શ્રી લખધીરજી એંડાઉમેન્ટ ટ્રસ્ટ મોરબીના ચેરમેન રામજીભાઈ અઘારા દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યું કે મોરબી નજીક મહારાજાશ્રી લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. જયાં બહારથી માણસો પિતૃકાર્ય કરવા માટે આવતા હોય છે. ટુરીસ્ટની બસ દર્શન કરવા માટે આવતી હોય છે. ત્યારે આ મંદિરની બાજુમાં ટ્રસ્ટની દીવાલને અડીને રસ્તા ઉપર ધાબો કરી કેબીન ઉભી કરાયેલ છે. જે યાત્રાળુઓને નડતરરૂપ છે તથા દીવાલમાં ગેઇટ મુકવાનો હોવાથી જે કેબીન નડતરરૂપ છે. ઉપરોક્ત બાબતે જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચને તો વારંવાર પત્રો લખવા છતા આજદિન સુધી તેઓ દ્વારા નડતરરૂપ કેબીન દુર કરાવી નથી. આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન નાયબ કાર્યપાલક મોરબી વિભાગ તથા મોરબી મામલતદારને વારંવાર પત્ર લખવા છતાં જે નડતરરૂપ કેબીન દુર થઇ નથી. અગાઉ આ નડતરરૂપ દબાણ દૂર કરવા બાબતે મોરબી જીલ્લા કલેક્ટર કચેરીમાં તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૪નાં પત્રથી પણ રજુઆત કરેલ છે તો હાલ કરેલ બીજી વખતની આ અરજી ઘ્યાને લઇ તાત્કાલીક યોગ્ય કરવા વિનંતીસહ માંગણી કરવામાં આવ્યાનું લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.