ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 27 માર્ચે સચિને જાતે જ કોવિડ 19 નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા વિશેની માહિતી સોશ્યલ મીડિયા પર બધાને આપી હતી. હવે તેણે હોસ્પિટલમાં દાખલ થવા અંગે પણ ટ્વીટ કર્યું છે. શુક્રવારે સચિને હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી બધા સાથે શેર કરી હતી. તેમણે લખ્યું, ‘તમારા બધાની પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે ઘણો આભાર. ડોકટરોની સલાહથી મેડિકલ રૂટિન પૂર્ણ કરવા માટે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે થોડા દિવસોમાં જ હું સ્વસ્થ થઈને ઘરે પાછો આવીશ.’ હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી આપવાની સાથે સચિને આજે ભારતને 2011 ની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પણ આપ્યા હતા. તેમણે તમામ દેશવાસીઓ અને તે તમામ ખેલાડીઓને તેમની જીતની 10 મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા. તાજેતરમાં સમાપ્ત થયેલ વર્લ્ડ રોડ સેફટી સિરીઝમાં સચિન તેંડુલકરે ઈન્ડિયા લિજેન્ડની અધ્યક્ષતા કરી હતી. આ ટીમમાં તેની સાથે રમનારા યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ બદ્રીનાથ પણ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સને હરાવીને ભારતે આ ખિતાબ જીત્યો હતો.