ડોમિનિકા મેજિસ્ટ્રેટ કોર્ટએ પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના સંદર્ભમાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. ડોમિનિકાના હાઈકોર્ટના આદેશ બાદ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના આરોપોનો જવાબ આપવા માટે હીરાના વેપારી મેહુલ ચોક્સીને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે હવે તે ઉપલી કોર્ટમાં જશે. ચોક્સીના વકીલે અગાઉ દાવો કર્યો હતો કે તેનું એન્ટીગુઆ અને બાર્બુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બળજબરીથી કેરેબિયન દેશમાં લાવવામાં આવ્યો હતો. તેનો અસીલ પોલીસ કસ્ટડીમાં સલામતી અનુભવી રહ્યો નથી અને તેને એન્ટીગુઆ અને બાર્બુડા પાછા મોકલવા જોઈએ. ચોક્સીને ભારત લાવવા માટે ડોમિનિકામાં સીબીઆઈના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની આગેવાની હેઠળ વિવિધ એજન્સીઓના અધિકારીઓની ટીમ હાજર છે.
મેહુલ ચોક્સીનો કેસ સોમવારે કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો હતો. કોર્ટે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ ગુરુવારે સવારે ૯ વાગ્યા સુધી હેબિયસ કોર્પસ માટેની અરજી મુલતવી રાખી હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકનના જજએ કહ્યું હતું કે ભાગેડુ ઉદ્યોગપતિએ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના આરોપોનો જવાબ આપવો પડશે.ઉલ્લેખનીય છે કે હીરાવેપારી મેહુલ ચોક્સી ૨૩ મેના રોજ ડિનર માટે બહાર ગયા ત્યારથી એન્ટીગુઆથી ગુમ થઈ ગયા હતા. ચોક્સી ૨૦૧૮ થી ત્યાં નાગરિક તરીકે રહેતો હતો. બાદમાં પડોશી ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ તેની અટકાયત કરવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં ચોક્સી ભારતમાં વોન્ટેડ છે.